હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ગંભીર ચેતવણી આપતાં સુરત શહેર હાઈ એલર્ટ પર મુકાયું છે. વહીવટી તંત્રે મધ્યરાત્રિએ ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થાપન ટીમો તૈનાત કરી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે.
રેડ એલર્ટની વિગત
હવામાન વિભાગના બુલેટિન મુજબ સુરતમાં રાત્રે 11:00 થી સવારે 4:00 વાગ્યા સુધી અત્યંત તોફાની અને ધોધમાર વરસાદ પડી શકે છે. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને મુખ્ય રસ્તાઓ બંધ થવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને સંયુક્ત એડવાઈઝરી બહાર પાડી નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારો અને નદી કિનારાના નીચાણવાળા કોઝવેથી દૂર રહેવા જણાવ્યું છે.
કમિશનરની અપીલ
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાત્રે થનારા ભારે વરસાદને જોતાં તમામ નોકરિયાત અને વેપારી વર્ગ રાત્રે 9 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જાય. તેમણે ટ્રાફિક જામ ટાળવા લોકોને ઘરમાં જ રહેવા કહ્યું. પાલિકાના તમામ ફ્લડ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરાયા છે.
સ્થળાંતર અને સુવિધાઓ
પૂરના જોખમને ટાળવા 300થી વધુ લોકોને નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે અને સરકારી શાળાઓમાં બનાવેલા આશ્રયસ્થાનોમાં ખસેડાયા છે. ત્યાં તેમના માટે ગરમ ભોજન, પીવાનું પાણી અને રહેવાની વ્યવસ્થા વિનામૂલ્યે કરાઈ છે. બીમારી ન ફેલાય તે માટે તબીબી ટીમો પણ સતત તપાસ કરી રહી છે.
NDRF ટીમો સ્ટેન્ડ બાય
કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRFની 4 ટીમો કંટ્રોલ રૂમ ખાતે તૈયાર રાખવામાં આવી છે. પાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે સંકલન સાધીને સંવેદનશીલ સર્કલો અને અંડરપાસ પર પોલીસ જવાનો તૈનાત કરાયા છે, જેથી પાણી ભરાય તો તાત્કાલિક ટ્રાફિક ડાયવર્ટ કરી શકાય.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આજ રોજ (તા. ૨૨.૦૭.૨૦૨૬) ની રાત્રીથી અતિ ભારે વરસાદની આગાહી હોય, નીચાણવાળા ઘરો કે વાણિજ્ય એકમો કે જ્યાં પાણીનો ભરાવો થતો હોય તેમને તકેદારી રાખી આગમચેતીના પગલાં લેવા, જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતરિત થવા તેમજ આ સમય દરમ્યાન બિનજરૂરી બહાર… pic.twitter.com/PjsuaVhFm4
— My Surat (@MySuratMySMC) July 22, 2026
